17 જૂન

રાષ્ટ્રનો દરેક છાત્ર વિદ્યા મેળવે વિનય મેળવે, કોઇપણ ક્ષેત્રમાં કુશળતા મેળવે, પોતાની કુશળતાનો માનવસેવામાં સદ્ઉપયોગ કરે અને શીલવાન બની રહે તેવી પ્રભુ-પ્રાર્થના.

અત્યારે ગુજરાતની શાળાઓમાં પ્રવેશોત્સવ ઊજવાઇ રહ્યા છે. નવા ધોરણમાં, નવી શાળામાં, નવી આશાઓ અને નવા ઉમંગો સાથે વિદ્યાર્થીઓ પ્રવેશી રહ્યા છે ત્યારે આજે શિક્ષણ વિશે થોડી વાતો કરવી છે. મારે કોઇપણ વિષય ઉપર બોલવાનું હોય ત્યારે મને માનસમાંથી સંદર્ભ મળી રહે છે.

રામચરિતમાનસમાં શિક્ષણ માટે લખ્યું છે કે વિદ્યાર્થીને બીજી કોઇ વસ્તુ મળે કે ન મળે પણ પાંચ વસ્તુ એને અવશ્ય મળવી જોઇએ. (૧) વિદ્યા (૨) વિનય (૩) કર્મની કુશળતા (૪) ગુણનો વિકાસ અને (૫) ચારિત્ર્ય. આ પાંચ તત્વને હું શિક્ષણનું પંચાગ કહીશ.

૧- વિદ્યા: કોઇપણ વિદ્યાર્થી માટે વિદ્યાપ્રાપ્તિ એનું પ્રથમ લક્ષ્ય હોય છે. જેનું નામ વિદ્યાર્થી હોય તે વિદ્યા મેળવવા માટે આતુર હોય તે સ્વાભાવિક છે. જૂના જમાનામાં તપોવન અને ગુરુકુળ પરંપરા હતી અને રાજકુંવર હોય તો તેમને પણ રાજમહેલની તમામ સુખ-સગવડ છોડીને તપોવનમાં રહેવું પડતું અને છાત્રાલયનાં તમામ નિયમોનું સમાનતાથી પાલન કરવું પડતું. લાકડાં કાપવા માટે જવાનું થાય તો રાજાનો કુંવર હોય તો ન જાય અને સામાન્ય માણસનો પુત્ર જાય એવો કોઇ ભેદ આ પરંપરામાં હતો નહીં.

અત્યારે દેશકાળ પ્રમાણે વિદ્યાલયનાં મકાનોના ઢંગ બદલાય, સાધનો અને ઉપકરણો બદલાય, ગણવેશ પણ બદલાય તે ઇચ્છનીય છે પરંતુ શિક્ષક અને છાત્ર વચ્ચેનો આદરપૂર્ણ સંબંધ છે એમાં ઓટ ન આવે તે ઇચ્છનીય છે. વિદ્યા મેળવવી એવું બોલવામાં આવે છે બાકી સાચા અર્થમાં શિક્ષક પોતાના છાત્રને કશું આપતો નથી. શિક્ષકનું કાર્ય તો વિદ્યાર્થીમાં જે પડ્યું છે એને બહાર લાવવાનું હોય છે.

જે રીતે કોઇ શિલ્પકાર પ્રતિમાનું નિર્માણ કરતો નથી પરંતુ સાચા અર્થમાં જોઇએ તો પથ્થરમાં રહેલો બિનજરૂરી ભાગ દૂર કરતો હોય છે તેમ શિક્ષક નામનો ઘડવૈયો વિદ્યાર્થીમાં પ્રતિભાનું નિર્માણ કરતો નથી પરંતુ પ્રતિભાના પ્રાગટ્ય આડે અવરોધ બનેલા બિનજરૂરી ભાગને દૂર કરતો હોય છે.

અને સાચી વિદ્યા એ છે જે વિદ્યાર્થીને બંધનમાં ન નાખે પરંતુ જે મુક્ત કરે તે ખરી વિદ્યા છે. કોઇ વિદ્વાને ખરું કહ્યું છે કે પોલીસના હાથે પકડાઇને પોલીસવાનમાં બેસીને જેલમાં જતા ગુનેગાર કરતાં સ્કૂલરિક્ષામાં બેસીને શાળાએ જતું બાળક વધુ દયનીય હોય છે, કારણ કે ગુનેગારની મુક્તિની તારીખ નક્કી હોય છે જ્યારે આજનો વિદ્યાર્થી ક્યારે મુક્ત થશે તેનું ભવિષ્યકથન થોડું મુશ્કેલ બની જાય છે.

૨-વિનય: આપણે ત્યાં ખૂબ પ્રચલિત સુવાક્ય છે વિદ્યા વિનયથી શોભે છે. જે રીતે શરીરને ચામડીનો પડદો હોય છે. આંખોને પાંપણનો પડદો છે. ભાષાને ભાવનાનો પડદો છે તેમ વિદ્યાને વિનયનો પડદો છે. પડદા વગરની સુંદરતા અશોભનીય બની જાય તેમ વિદ્યા ગમે તેટલી મૂલ્યવાન હશે પરંતુ વિનય નહીં હોય તો વિદ્યા કુરૂપ બની જશે.

આપણે ત્યાં સવિનય કાનૂનભંગ એવો શબ્દ પ્રચલિત છે. જ્યારે અસહકાર આપવાની ફરજ પડે, જ્યારે કાનૂનભંગ કરવાની ફરજ પડે ત્યારે પણ વિનય ચૂકી ન જવાય તેની પૂરેપૂરી તકેદારી રાખીને સવિનય વર્તવું એ પૂર્વની સંસ્કૃતિ છે, માટે વિદ્યા બાદ બીજી મહત્વની બાબત વિનય છે.

૩- કુશળતા: ત્રીજું લક્ષણ કુશળતા એટલે કે નિપુણતા. યોગ:કર્મસુ કૌશલમ્ ગીતાજીમાં કહ્યું છે કે માનવીની કર્મની કુશળતા એક પ્રકારનો યોગ છે. અત્યારે પૂર્વ અને પશ્ચિમ તમામ દેશોમાં યોગનો બહુ મોટો મહિમા છે પરંતુ માણસ પોતાની રોજબરોજની દિનચર્યાનાં દરેક કામ કુશળતાથી કરે તે પણ એક પ્રકારનો યોગ છે.

દરેક વિદ્યાર્થી જ્યારે વિદ્યા પ્રાપ્ત કરે, વિદ્યાને વિનયથી દર્શનીય બનાવે અને કોઇપણ ક્ષેત્રમાં પોતાની કુશળતા મેળવે તે ત્રીજું કદમ છે. પોતે દાકતર, ઇજનેર, વકીલ, શિક્ષક, વેપારી કે ખેડૂત બને ત્યારે પોતાના વ્યવસાયમાં નિપુણ હોય તે અત્યંત જરૂરી છે અને નિપુણતા ત્યારે જ આવે જ્યારે છાત્રને એ ક્ષેત્રમાં રુચિ હોય.

વિદ્યાર્થીને જરાપણ રસ ન હોય એવા ક્ષેત્રનો અભ્યાસ કરશે તો ક્યારેય નિપુણ થવાનો નથી માટે વાલીઓને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમારા બાળકને જે ક્ષેત્રમાં વિશેષ રસ હોય તે ક્ષેત્રનો અભ્યાસ કરવાની એને સ્વતંત્રતા આપશો. તમે જે થઇ શક્યા નથી એ તમારા બાળકને બનાવવા માટે અથવા દેખાદેખી કે અર્થ ઉપાર્જનને કેન્દ્રમાં રાખીને એને રુચિ ન હોય એવા અભ્યાસક્રમમાં ધકેલશો તો આપના બાળકનું અને રાષ્ટ્રનું બંને ભવિષ્ય ધૂંધળું થશે અને નિપુણતા મળશે નહીં માટે ત્રીજું મહત્વનું કદમ કુશળતા છે.

૪- ગુણ વિકાસ: બાળકને નિષ્ઠાપૂર્વક વિદ્યા આપવામાં આવે તો અલ્પ કાળમાં એ વિદ્યા મેળવી શકે છે પરંતુ શિક્ષકને છાત્રના વ્યક્તિત્વના વિકાસ સાથે નિસબત હોવી જોઇએ. શિક્ષક જ્યારે પોતાના વિદ્યાર્થીના વિકાસ બદલે પોતાના વિકાસ ઉપર વધારે ધ્યાન આપશે ત્યારે શિક્ષણનું સ્તર નીચે જવાની સંભાવના વધી જાય છે.

નિષ્ઠાપૂર્વક અને નિસબતથી અપાયેલા વિદ્યાદાનમાં વિનય ભળે, ત્યારબાદ વિદ્યાર્થી પોતાના ક્ષેત્રમાં કુશળતા મેળવે પછી એના વ્યક્તિત્વમાં ગુણનો વિકાસ થવો જોઇએ. અહીં ગુણનો અર્થ સદગુણ કરવાનો છે. માણસ પોતાની નિપુણતાનો સદ્ઉપયોગ કોઇ ગરીબ, અપંગ, અસહાયની સેવા માટે કરે ત્યારે માનવું કે કુશળતા બાદ આ માણસમાં ગુણનો પણ વિકાસ થયો છે.

૫- ચારિત્ર્યનિર્માણ: મેં શરૂઆતમાં કહ્યું તે રીતે આ વિચાર રામચરિતમાનસની ચોપાઇમાંથી લીધો છે. જેમાં તુલસીદાસજીએ પાંચ તત્વોનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને લખ્યું છે કે વિદ્યા, વિનય, નિપુન, ગુન શીલા.

માનવીમાં શીલ કહેતા ચારિત્ર્ય ન હોય તો એ સિવાયના તમામ સદગુણો એકડા વગરનાં મીંડાં જેવા નિરર્થક છે. રાવણ જેવો રાવણ હનુમાનજી માટે એમ કહે છે કે મને આ વાનરના બળની બીક નથી પણ એના શીલના કારણે હું ભયભીત થઇ ગયો છું. આપણે ત્યાં બળ, બુદ્ધિ, વિદ્યા અને શીલ એમ ચાર શબ્દ સાથે બોલાય છે પરંતુ એ ચાર શબ્દમાં શીલ સૌથી વધુ વજનદાર શબ્દ છે. જો શીલ ન હોય તો બળ, બુદ્ધિ અને વિદ્યાનો કોઇ અર્થ રહેતો નથી.

જીવનમાં વિદ્યા નહીં હોય તો ચાલશે પણ શીલ વગર ચાલવાનું નથી માટે મારા રાષ્ટ્રનો દરેક છાત્ર વિદ્યા મેળવે વિનય મેળવે, કોઇપણ ક્ષેત્રમાં કુશળતા મેળવે, પોતાની કુશળતાનો માનવસેવામાં સદ્ઉપયોગ કરે અને સાથે સાથે શીલવાન બની રહે તેવી પ્રવેશોત્સવ સમયે પ્રભુ-પ્રાર્થના.

(સંકલન : જગદીશ ત્રિવેદી)

માનસદર્શન, મોરારિબાપુ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: