19 જૂન

મંથન – શાંડિલ્યા

હસવું હજુય સહેલું હશે, પણ લોકોને હસાવવું એ અઘરી, કળાની વાત છે. પોતાના પર હસીને પણ લોકોને પેટ પકડીને હસાવી શકતાં લોકો ખરેખર દાદ આપવાને પાત્ર છે

હાસ્યમાં જાદુઈ શક્તિ છે. તે બે અજાણી વ્યક્તિઓને પાસે લાવી શકે છે તો રિસાયેલા સ્વજન કે મિત્રોની નારાજગી દૂર કરવા એકાદ ખેલદિલ સ્મિત માધ્યમનું કામ પણ કરી જાય છે.

ગમે તેવા સંજોગોમાં પણ હસતી અને ખુશ રહી શકતી વ્યક્તિને પોઝિટિવ થિંકર કહી શકાય. તેવા લોકો જ મુક્તપણે હસી શકે છે જેઓ જીવનના મર્મને સમજી શક્યા હોય અને જિંદગીને એક ઉત્સવની પેઠે પણ તેવા જ લોકો માણી શકે છે જેમની પાસે હાસ્યની હળવાશ હોય અરે હસતો ચહેરો તો બેસણાં કે અવસાન નોંધોમાં હોય તો જોવો જરી ગમે છે, વારુ ?

ઘણા ધીરગંભીર પ્રકૃતિવાળા લોકો માટે હસવું એ ઠઠ્ઠા-મજાકની નિશાની છે. તેવા લોકોની એક સજ્જડ માન્યતા એવી પણ હોય છે કે, એમ હસ્યા કરવાથી તો કોઈ તેમને ગણકારશે નહીં ને તેમની વાતોને ગંભીરતાથી લેશે નહીં. આવા નિરાશાવાદી કે હાસ્યના અ-રસિકો સુખના પ્રસંગો-પળો વચ્ચે પણ સતત સોગિયાપણું ઓઢીને ફરતાં રહે છે. જ્યારે પેલા જીવનને જલસાની પેઠે માણનારા મરજીવાઓ અનેક સમસ્યાઓ વચ્ચે પણ હોઠોનું હાસ્ય અને હૈયાની હળવાશ મૂરઝાવા નથી દેતાં.

હસવું એ માત્ર એક યાંત્રિક કે આવેગિક ક્રિયા જ નથી. તે એક યોગ પણ છે અને કળા પણ છે. કોઈને નાનકડી વાતમાં પણ રમૂજ જડી આવે છે, તો કોઈને જોક્સ-ટુચકા પણ વાર્તાની જેમ સમજાવવા પડે છે.

આજના લોકો હાસ્યની કિંમત અને તેનું મૂલ્ય બેઉ સારી રીતે સમજી ચૂક્યાં છે. આંસુ તથા અન્ય શારીરિક આવેગોની જેમ મુક્ત હાસ્યનું પણ આગવું મહત્ત્વ છે. તે અનુભવી અને સ્વીકારી પણ ચૂક્યાં છે.

પરિણામે હાસ્યનો આજે એક સ્વતંત્ર બિઝનેસ બની ગયો છે. અસંખ્ય હાસ્ય કલાકારો, કોમેડિયનો, લાફ્ટર ચેમ્પિયનો તેમની હસાવવાની કળાની રોકડી કરી લોકોને હાસ્યનું રીતસરનું ઘેલું લગાડી રહ્યા છે. આજના ડોક્ટરો અને મનોચિકિત્સકોના મતે એ એક એવી રામબાણ ઔષધિ છે કે દવાના ડોઝ સાથે હસતાં રહેવાની સલાહ તેઓ વિનામૂલ્યે આપે છે.

આજની સતત વ્યસ્ત અને તન-મનથી તોડી નાખતી જીવનશૈલીમાં અનેક પ્રશ્નો, આર્થિક, સામાજિક તથા કૌટુંબિક સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા લોકો તણાવ, હતાશા અને ચિંતાના શિકાર બનતાં જાય છે. સતત સુખ અને પૈસા પાછળ ભૌતિક દોટ લગાવતો માણસ તે મળે ત્યાં સુધીમાં તેના જીવનની હળવાશ, આનંદના પ્રસંગો અને હોઠો પરનું હાસ્ય ગુમાવી ચૂક્યો હોય છે. જો કે હજુ તેનો રસ હાસ્ય પરથી ઊડી નથી ગયો તે આશ્વાસનરૂપ છે. બસ, સમય, સંજોગો તથા યોગ્ય સમજના અભાવે તે ખુશ રહેવાની મુક્ત અભિવ્યક્તિરૂપી હાસ્યથી થોડો વિમુખ બનતો જાય છે તેટલું જ. વૈદ્યો અને સાયકોથેરાપિસ્ટોના મતે અનેક નાના-મોટા રોગો અને બીમારીઓ મનોદૈહિક હોય છે. (સાઈકો સોમેટિક). ઘણી વાર કોઈ રોગનું કારણ મનમાં છુપાયેલું હોય તેવું પણ બને છે. દબાયેલી, ઘવાયેલી લાગણીઓ, ક્રોધ, અપમાન, તિરસ્કાર, ઇર્ષા જેવી નકારાત્મક લાગણીઓ મનને મૂંઝવી, મૂરઝાવી તો નાંખે છે. ઉપરાંત તેનાથી ઝરતાં સ્રાવો એક ઝેરી અસર ઉત્પન્ન કરે છે. જે ધીરેધીરે શરીરના અંગોમાં રોગના મૂળ નાંખી દે છે. એટલે કોઈ રોગનું કારણ ના પકડાય તો મનની પીડાઓનો ઇલાજ પહેલો શરૂ કરવો પડે. મન શાંત થાય તો શરીરના આવેગો-વિકારો પણ જલદી રુઝાઈ શકે છે.

કોઈ વ્યક્તિ જ્યારે મુક્ત મને ખુલ્લા દિલે હસે છે ત્યારે તેના આખા શરીરની કસરત થઈ જાય છે. તેની જીવનશક્તિમાં ચમત્કારી રીતે વધારો થાય છે. ઉપરાંત લોહીનું પરિભ્રમણ વધવાથી સ્નાયુતંત્ર પણ સુધરે છે. ચહેરાના સ્નાયુઓ પણ રિલેક્સ થતાં ચમકે છે. સુંદર અને યુવાન સ્ત્રીઓ માટે તો મોહક સ્મિત અને મુક્ત હાસ્ય એ જ સૌંદર્યનો પર્યાય સાબિત થાય છે.

ઘણી વાર કોઈ સ્વજન કે દોસ્ત મૂડમાં ના હોય ત્યારે તેને કોઈ પણ રીતે હસાવવાના પ્રયત્નો કરીએ છીએ, કેમ કે હસવાથી મન તરત શાંત થાય છે.

આજે વિશ્વભરમાં નાની-મોટી કંપનીઓ ઉદ્યોગગૃહો, પોલીસ ખાતું વગેરેમાં એવાં લાફ્ટર માસ્ટરો અને થેરાપિસ્ટોને કન્સલ્ટ કરે છે જે તેમના કર્મચારીઓને રિલેક્સ કરે. તેમના સતત કામના લીધે થતા તણાવ અને થાકને દૂર કરાવે જેથી કાર્યક્ષમતા અને ઉત્પાદન બેઉમાં ફાયદો થાય. આપણે ત્યાં યોજાતી યોગશિબિરો, યોગ સેન્ટરો વગેરેમાં પણ હાસ્યાસન કે હાસ્યયોગની ક્રિયા કરાવાય છે. કોઈ પણ સ્થિતિમાં કારણથી કે વિના કારણે પણ હસો-ગળું ફાડીને હસો, કેવાં લાગશો તેની પરવા કર્યા વગર મુક્તકંઠે બસ હસો અને હળવા થાવ. હસવાથી આંતરિક અવયવોની પણ સારી રીતે માલિશ થઈ જતી હોય છે. જેથી યોગાસનોનાં પણ ઝડપી પરિણામો મળે છે.

અને આમ પણ હસમુખા લોકો અને હાસ્યની સ્થૂળ સૂક્ષ્મ સમજ ધરાવતાં લોકો અન્યોને સરળતાથી આકર્ષી શકતાં હોય છે. હસવું હજુય સહેલું હશે, પણ લોકોને હસાવવું એ અઘરી, કળાની વાત છે. પોતાના પર હસીને પણ લોકોને પેટ પકડીને હસાવી શકતાં લોકો ખરેખર દાદ આપવાને પાત્ર છે.

સમગ્ર જીવજગતમાં એકમાત્ર માનવ પ્રાણી જ ખડખડાટ હસી શકે છે. એ તેના માટે પ્રભુના આશીર્વાદ જ છે કે ! આર્થિક પ્રશ્નો માટે જેમ વિટામિન ‘એમ’ એટલે કે મનીની જરૂરત પડે તેમ ખુશહાલ જિંદગી, હાસ્ય, મનોરંજન અને આનંદ માટે વિટામિન ‘એચ’ એટલે કે હાસ્યની પણ મહત્ત્વતા છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: